પૂજય નાંણશારદા માં ના કાર્ય
પૂજ્ય નાંણશારદા માંનું હૃદય ફૂલ કરતાં પણ કોમળ, કરુણાથી ભરેલું અને સ્વભાવથી અતિ સરળ હતું. જો કોઈ વચનનો ભંગ થતો તો માંને ગુસ્સો પણ આવતો, પરંતુ શારદામાં પોઠીયો એવો મળ્યો કે જેઓ માંને સમભાવી રાખીને જૈન સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરવાની વિનંતી કરતા.
પૂજ્ય માં આત્માનાદેવી હોવાથી આત્માના દુઃખનું નિવારણ કરવું એ જ એમનો ધ્યેય હતો. આત્માના દુઃખનું કારણ ભવભ્રમણ છે, અને એ દુઃખનું નિવારણ કરવા માટે તેમણે મક્કમ સંકલ્પ કર્યો. પૂજ્ય શારદામાં એમના અણમોલ સહયોગી બન્યા.
છોટુભાઈ ભક્તની શારદા માં પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અજોડ પરોપકારભાવ, દયા અને કરુણાભાવના કારણે, પૂજ્ય માં પ્રસન્ન થઈ જગત કલ્યાણના અણમોલ આશીર્વાદ આપ્યા. અનેક કપરી કસોટીઓમાંથી પાર ઉતાર્યા. સાથે જૈન સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરવાની ભક્તશિરોમણિની માંગણીને માન આપીને, દ્વારે આવનાર ભક્તોના કષ્ટ નિવારણ માટે દીપક, રક્ષા મંત્ર, વાસક્ષેપ અને અમૃત – આ પાંચ હથિયાર દર્શાવ્યા.
આમ અસાધ્ય રોગથી પીડાતા દુઃખીજન પર દયાદૃષ્ટિ, અમૃતદૃષ્ટિ, પ્રેમદૃષ્ટિ, કરુણાદૃષ્ટિ અને સમભાવીદૃષ્ટિ – આ પાંચ દૃષ્ટિ કરીને તેમને દુઃખમાંથી મુક્તિ અપાવી. બીજી દુનિયામાં પીડાતા પીડિત આત્માઓ અથવા ઉપદ્રવરૂપ વ્યંતર આત્માઓને શાંતિ આપી, સાચા કલ્યાણકારી માર્ગે વ્યંતર યોનિમાંથી મુક્તિ આપી અને પોતાના ચરણોમાં સ્થાન આપ્યું. પોતાના દરબારમાં રાખીને એમની જીવનની દરેક જરૂરિયાત પૂરી કરી.
પૂજ્ય માંએ અતૃપ્ત અવગતિ અથવા વ્યંતર લોકના ભટકતા આત્માઓને, એટલે કે સુરધન-પિતૃ અને માવડીમાં તરીકે ઓળખાવ્યા અને આત્મા આ યોનિમાં કેવી રીતે જાય છે તેનું કારણ સમજાવ્યું.
1. વ્યંતર ઉપદ્રવ:
જ્યારે કોઈ અતૃપ્ત આત્મા ભૌતિક વિષયોમાં, વાસનામાં, છતાં સારી ઇચ્છા અને ભાવનાઓમાં ડૂબેલો હોય અને એ આત્મા આ પાર્થિવ દેહનો ત્યાગ કરે, ત્યારે તે વ્યંતર બની ભટકવા લાગે છે. આવા આત્માને ક્યાંય શાંતિ કે સ્થાન મળતું નથી. તે કોઈ નબળા મનના માનવીના શરીરમાં પ્રવેશી તેને હેરાન-પરેશાન કરે છે. ત્રાસેલો માનવી પીર-ફકીર, માંત્રિક, તાંત્રિક, જ્યોતિષના દ્વારે ભટકવા લાગે છે. કેટલાક સારા આત્મા માનવીને દુઃખ આપવા નથી માંગતા, પણ કોઈ ઉપદ્રવના બંધનમાં આવી જવાથી ન કરવાના કાર્યો કરવા પડે છે, અને વેરની ગાંઠો બંધાઈ જાય છે.
જ્યાં આવા આત્માઓને પાણી માગતા લોહી મળે છે, ખાવાનું માગતા અભક્ષ મળે છે, ત્યારે માં એમને મીઠું અમૃત પાઈ ભાવતું ભોજન ખવડાવી, ઉપરીમાંથી છોડાવી, ઉપરીના બંધનમાંથી મુક્ત કરી આત્માને શાંત કરે છે.
2. પિતૃ :
એટલું જ નહીં, જ્યાં જરૂર લાગતી, ત્યાં ભક્તોના ઘરમાં એમના પિતૃ અને માવડીમાંને બિરાજમાન કરી એમની સહાય અને રક્ષા કરવા માટે બિરાજમાન કર્યા. આમ એક આત્માની તકલીફ દૂર કરી અનેક આત્માઓને શાંતિ આપી.
3. માંની શક્તિ અને કાર્યક્ષેત્ર :
માંની શક્તિ અપરંપાર અને કાર્યક્ષેત્ર અમાપ છે. માનવ, દાનવ, તિર્યંચ, ગાય-ભેંસ, પશુ-પંખી, ઝાડ-પાન – દરેક યોનિના જીવમાત્રનું દુઃખ દૂર કર્યું.
4. કુપ્રયોગનો નાશ :
ઈર્ષા, અદેખાઈ, મુઠ, ખોટી વિદ્યા, મંત્રોના પ્રયોગનો નાશ માંએ કર્યો.
5. પિતૃ માટે શાંતિવિધિ :
પિતૃને શાંતિ આપવા વિધિ બતાવી અને મંત્રો આપ્યા.
6. નવરાત્રીના કાર્યો :
નવરાત્રી દરમ્યાન અઘોર કાર્યો કરી, દરેક નાની-મોટી તકલીફમાંથી ભક્તોને ઉગાર્યા અને બચાવ્યા.
7. કુળદેવીનો પ્રબોધ :
ઘણાને પોતાની કુળદેવી કોણ છે અને શું કરવું જોઈએ એની સમજ આપી. નવરાત્રીના આઠમના દિવસે નિવેદ ધરાવવાની વિધિ બતાવી અને અનેક કુટુંબની કુળદેવીને જાગૃત કર્યા.
8. કુદરતી પ્રકોપમાં સહાય :
ધરતીકંપ, સુનામી જેવા કુદરતી પ્રકોપ આવવાના હોય ત્યારે ચેતવણી આપી અને અટકાવવા માટે ભક્તોને મંત્રો આપ્યા.
પાણીના પુર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ અને માનવોને અદૃશ્ય રીતે સહાય કરી જીવન બચાવ્યા. કચ્છના ભૂકંપ દરમિયાન થયેલા મોટા નુકસાનમાં અનેક માણસો અને પશુઓ મૃત્યુ પામ્યા ત્યારે પૂજ્ય માંએ કાર્ય કરી વચન આપ્યું કે એ આત્માઓને શાંતિ આપશે અને થોડા જ સમયમાં કચ્છને ફરી ઊભું કરશે – અને એ કરીને બતાવ્યું.
આમ જીવદયા અને કરુણા એમની રગેરગમાં વહે છે. અજોડ કરુણાના કાર્યો કર્યા – વિશ્વયુદ્ધ, કોરોના, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કેન્સર જેવા અસાધ્ય રોગો દૂર કરવા મંત્રો આપ્યા અને ભક્તોને ઉગાર્યા. ખોટી રીતે ધંધામાં કે અન્યત્ર ફસાયેલા ભક્તોને ચેતવણી આપી અને બચાવ્યા. બહારગામ જવામાં તકલીફ દેખાય તો જતા રોકીને જીવ બચાવ્યા.
9. આત્માને ઉન્નત કરવાના કાર્યો :
દર મહીનાની એકમના દિવસે સુંદર વાસક્ષેપની જ્ઞાનવિધિ કરી, ભક્તોને અરિહંત પરમાત્મા અને 24 તીર્થંકર પરમાત્માનું સમકિત જ્ઞાન આપ્યું.
શ્રી પારસનાથ પ્રભુની સમતા, વીર પ્રભુની ક્ષમા, નેમનાથ પ્રભુની કરુણા, મલ્લિનાથની મક્કમતા અને શાંતિનાથ દાદાની જીવદયા, પ્રભુ આદિનાથના જ્ઞાનનો દોર પકડાવ્યો.
દિવાળીના અમૂલ્ય ચોપડા પૂજનની વિધિ બતાવી, પ્રભુ વીરના નિર્માણ, ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સૂરીલક્ષ્મીની પ્રાપ્તિ માટે લક્ષ્મી પૂજન અને ઉમેર પૂજન ભક્તોને માર્ગદર્શન આપી કરાવ્યું.
આયંબિલની શાશ્વતીમાં જીવનનાં મૂલ્યો સમજાવ્યા અને અરિહંત કોણ છે એ ઓળખાવ્યું.
મહાન માતા કલ્યાણી અને મહાન પિતા શિખરજીના મહાન પુત્ર અરિએ પોતાના અંતરના શત્રુ – ક્રોધ, માન, માયા, વિષય અને કષાયને ઓળખાવ્યા.
શત્રુઓને દૂર કરી અરિમાંથી અરિહંત બનવાનો માર્ગ બતાવ્યો. આવું શાસ્ત્રનું ઊંડું જ્ઞાન માંએ આપ્યું.
પ્રભુના અમૂલ્ય મંત્ર જે ભવિષ્યમાં શાસ્ત્ર બનશે એની નવકારવાળી ગણવા આપી.
પર્યુષણમાં પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કેવી રીતે કરવી, પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ બતાવ્યો અને સીમંધર સ્વામીનો પંથ દર્શાવ્યો.
10. જૈન સાધુ-સાધ્વીઓની રક્ષા :
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો પર આવતી તકલીફો દૂર કરવા માટે મંત્રવિધિ આપી અને એમનું રક્ષણ કર્યું. એમના ચરિત્રધર્મની રક્ષા કરી અને તપશ્ચર્યામાં સહાયરૂપ બન્યા. પૂજ્ય આચાર્ય હંસરત્નસૂરિ મહારાજને સાત વાર છ મહિનાના ઉપવાસ કરાવી તપ સમ્રાટ બનાવ્યા.
ભક્તોને આઠમ, અઠ્ઠાઈ, માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ જેવા અનેક તપ વાસક્ષેપવિધિ દ્વારા સરળતાથી કરાવ્યા.
પૂજ્ય નાંણદેવી માંની મહાન શક્તિ અને કાર્યોનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. લખતા પાના અને શાહી ખૂટી જાય, છતાં એમની મહાનતાનું પૂરેપૂરું વર્ણન થઈ શકે નહીં. એમને પ્રત્યેક શ્વાસે કોટિ-કોટિ વંદન.
11. આજની યુવા પેઢી માટે પ્રેરણા:
યુવાનોને ભણાવવામાં મદદ કરી, પરદેશ મોકલી એન્જિનિયર, ડોક્ટર, વકીલ બનાવી પગ પર ઊભા કર્યા. હિંમત અને પ્રોત્સાહન આપ્યું, દેશ-વિદેશમાં ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડ્યા. આજની પેઢી સાક્ષી છે કે કેવી રીતે માંએ અશક્ય રસ્તાઓ શક્ય કરી બતાવ્યા.
12. માંની અજોડ શક્તિ:
માંની શક્તિ એવી છે કે ઉપદ્રવનો હાથ હોય કે યમરાજનો પંજો – એમાંથી આત્માને છોડાવી પોતાના હાથમાં લઈ જરૂર પડે ત્યાં નવો જન્મ અપાવી શકે છે. ભક્તોએ પોતાના જીવનમાં અનુભવેલા અનેક ચમત્કારોથી આ વાત સાબિત થાય છે.
.
